વિદ્યાસહાયકની દસ વર્ષ સુધી બદલી ન કરવા નિર્ણય લેવાયો
શૈક્ષણિક રીતે પછાત કચ્છ જિલ્લાની પંચાયતી પ્રાથમિક શાળામાં
વિદ્યાસહાયકો નિમણૂક પામીને થોડા વર્ષાેમાં જ માદરે વતનની વાટ પકડે છે,
પરિણામે કચ્છમાં શિક્ષકોની મોટી ઘટ સર્જાતી હોય છે. જે મામલે રાજ્ય સરકારે
લીધેલા એક મહત્તવના નિર્ણયમાં જિલ્લાની પંચાયતી પ્રાથમિક શાળામાં ધો. ૧થી
પમાં નિમણૂક પામનાર વિદ્યાસહાયકની દસ વર્ષ સુધી બદલી નહીં કરાય. ગુજરાત
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી હરિસિંહ એલ. જાડેજાએ જણાવ્યું છે
કે, પ્રાથમિક શિક્ષકોની ઘટના કારણે બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી
છે. જે અસર નિવારવા માટે તેમજ પીટીસી અને ટેટ પાસ બેરોજગારોેને નોકરી મળે
તે હેતુથી ખાસ કિસ્સા તરીકે આગામી વર્ષમાં ૩૧-૮-ર૦૧૪ના શિક્ષકોના મંજૂર
મહેકમના આધારે ૧૩૦૦ ખાલી જગ્યા ભરવા સરકારે લીલીઝંડી આપી છે તેમજ શિક્ષણ
વિભાગના સંયુકત સચિવના તા. ર૩-૯-ર૦૧૪ના પત્રની વિગત આપતા જણાવ્યું હતું કે,
ખાસ ભરતીમાં જે ઉમેદવારને નિમણૂક મળી હશે તેવા વિદ્યાસહાયકની તાલુકામાં દસ
વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે એટલે દસ વર્ષ સુધી અન્ય તાલુકામાં કે જિલ્લા
ફેરબદલીની માગણી કરી શકશે નહીં. કચ્છ જિલ્લામાં હાલે ધો. ૧થી પમાં ૬૦૦,
ધો. ૬થી ૮માં ર૦૦૦ જગ્યા મળી કુલ ર૬૦૦ જેટલી ખાલી જગ્યા છે, જેનું સેટઅપ
પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલવામાં આવ્યું હોવાનું જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું હતું.