ગીર ગાય ની 56 ઓળખ :
આપણે સૌ સૌરાષ્ટ્ર ની શાન એવી ગીર ગૌમાતા ને તો જાણીએ છીએ પણ એના પ્રકાર વિશે મોટાભગના લોકો અજાણ હોય છે. અમુક લોકોને થોડા ઘણા પ્રકારની જ ઓળખ હોય છે.
ગીર ગાયની શરીરરચના,રંગો, ગુણ અને સ્વભાવ પ્રમાણે 56 ઓળખ થાય છે.જે નીચે મુજબ છે.એક ગાય એક થી વધુ પણ ઓળખ ધરાવતી હોય છે.
1)કામધેનુ(હિરાળ)- પૂર્ણ જાતવાન,સૌંદર્યવાન, આરોગ્યવાન,પ્રેમાળ,પૂર્ણ સમર્પિત, દુધાળ,કલ્યાણકારી,ઉત્તમ વંશદાતા
2)સુરભી - શરીર અને માથામાં કસ્તુરી જેવી મીઠી સુગંધ વાળી
3) ગળકડી - જે લાલ કે માંકડા રંગની હોય અને ડોકે સફેદ ટપકાં હોય
4) કાબરી - જે લાલ અને સફેદ મિશ્ર રંગની હોય
5) માંકડી - જે પીળાશ પડતા આછા લાલ રંગની હોય
6) કપિલા(જાંબુડી)- જેનું માથું, કાન, આંચળ કાળા કે જાંબલી રંગના હોય કે શરીરે જાંબલી ધાબા હોય
7) બાહોળ (બાવળી) - જે લાલ રંગની હોય તથા ડોક અને પગ સફેદ રંગના હોય,પૂછડું સફેદ હોય
8) ગોરલ (ગોરી) - જે લાલ રંગની હોય
9) સુવર્ણ કપિલા- જે સોનેરી રંગની હોય,નાક ભૂરું,આંખ લાલ અને પૂછડું પિંગળું હોય
10) બગલી - જે આખી સફેદ રંગની હોય
11) કોયલ - જે રતાશ પડતાં કાળા રંગની હોય
12) લાખેણ - જે લાલ કે માંકડા રંગની હોય અને તેમાં મુખ્ય રંગથી જુદા રંગના ધાબા હોય,આગળના પગની ઉપર લાખનું નિશાન શ્રેષ્ઠ ગણાય છે.
1e)તોખાર - લાંબી,ઊંચી,મજબૂત બાંધાની,ઉંચુ માથું રાખી ચાલનારી,લાંબા સુડોળ પગ વાળી
14) મોરલી - ચમકતી પાતળી ચામડી,લાંબી ડોક , પાતળા શીંગ વાળી
15) ધમોળ - મોટું શરીર,મોટા કાન મજબૂત પગ અને શાંત સ્વભાવની
16) પાંઢેર- ઉંચી,લાંબી,સીધી પહોળી પીઠ વાળી
17) પીછોરી - પાતળી ચામડી,પેટથી પાતળી લાંબી પાતળા પગવાળી
18) બહુલા (ધરેણ) - ખૂબ જ દૂધ વાળી
19) મોરડ - જેનું માથું ચંદ્ર જેવું આખું સફેદ હોય આ ગાયને ચંદ્રમુખી કે પૂનમ પણ કહે છે.
20) ઝૂલણ - માથું ડોલાવી કાન ઝુલાવી સુંદર ચાલવાળી અને સુંદર વળેલા કાન વાળી
21) મેના - ટૂંકી મોકલી,સુંદર મોઢું અને શીંગ તેમજ સુંદર વળેલા કાન વાળી
22) રૂપેણ - ધોળી કાબરી કે સફેદ રંગમાં લાલ છાંટ વાળી,આંખથી બહુ રૂપાળી
23) ધાબાળી- માંકડા કે આછા લાલ રંગમાં નાના મોટા અનેક ટપકાં વાળી
24) ધુમડ - ત્રણ ચાર રંગો વાળી
25) ભગરી - માથામાં સફેદ રુવાંટી વાળી,રંગે લાલ કે આછો લાલ
26) કામદુધા - દિવસે અને રાત્રે ઈચ્છા થાય ત્યારે દૂધ આપનારી
27) ભૂરી - જે ભૂરા રંગની હોય સુવર્ણ કપિલા અને માંકડા રંગના ગોવંશ ના સંવર્ધન થી જન્મે છે.
28) રાંગળી - કાળી કાબરી કે કાળી ગળકડી કાળા અને સફેદ બે રંગ વાળી
29) મુંજી - લાલ કે માંકડા રંગની,પગ અને આંખો કાળી હોય
30) લિલડી - શરીર અને માથું મેળા ધોળા રંગના હોય, જાંબલી કાળા આંચળ અને કાન વાળી
31) ટિલાર - જેને માથામાં ટીલું હોય,પીપળાના પાન જેવું ટીલું હોય તો તિલક કે પાનેરી કહેવાય
32) સમરી - જે લાલ કે આછા લાલ રંગની અને સફેદ પૂછડા વાળી
33) કેરી - જેની આંખો અંદરથી કાળી ને બદલે સફેદ કે માંજરી હોય
34) માથાળી - મોટું માથું અને જાડા શીંગ વાળી
35) મછીયાળ- સુંદર માછલી આકારના શિંગડા વાળી
36) કુંઢી - ગોળ વળેલા શીંગ વાળી
37) ભિલી - નીચે તરફ સીધા શીંગ વાળી
38) બોળી - મૂળમાંથી હલતા અને નીચે તરફ શીંગ વાળી
39) મરકલી - કાન ઉપર પોપટી તરીકે ઓળખાતી વધારાની ચામડી ધરાવતી
40) ઝાંઝર - પગે ઝાંઝર પહેર્યા હોય એવા જુદા રંગના પટ્ટા વાળી
41) રેડ્ડી - ટૂંકા કાન ,ઉપર જઈ થોડા વળેલા શીંગ વાળી
42) મીંઢી - દોહવામાં કઠણ હોય
43) મિઠોળ - દૂઝતા વિયાય તેવી અને છેલ્લે સુધી જેનું દૂધ ખારું ન થાય તેવી
44) પદમણી - જેને પગે કે ડોકે પદ્મ નું નિશાન હોય
45) ત્રિશૂલા - જેના શરીર પર ત્રિશુલ નું ચિહ્ન હોય
46) હેતાળવી - પાલક કે માનવ પ્રત્યે અતિ હેત વાળી આપણા હાથ મોઢું હેત થી ચાટે એવી
47) કવલી - વાછરુને જન્મ આપ્યા વગર દૂધ આપનારી
48) ઢેલ- નાના કદની ટૂંકા શરીર વાળી
49) ખીલાર - જે વાડી કે વાડે થી ગમે તેટલા દૂર થી ઘરે એકલી આવી જાય અને રસ્તામાં કોઈને હાની ન કરે
50) હરેણ - ખૂબ ચકોર સ્વભાવની ચારેબાજુ જોનારી ભડકણા સ્વભાવ ની
51) પારેવ - ઉતાવળી ચાલ વાળી બીજી ગાયોથી હંમેશા આગળ ચાલનારી
52) રેશમડી - રેશમ જેવી સુવાળી મુલાયમ ચામડી વાળી હાથ ફેરવતા તરત ઓળખાઈ જાય
53) ભેરી - મુસીબતમાં ગોવળની રક્ષા કરનારી ખૂબ વફાદાર
54) વત્સલા - વાછરું ઉપર અનહદ પ્રેમ વાળી,નાના વાછરું માટે ધણમાંથી ભાગી આવનારી,બીજાના વાછરું ને પણ ધાવવા દેનારી
55) ગાંડી - વાછરું ઉપર હેત પ્રોત વગરની,પોતાના વાછરું ને પણ ન ધાવવા દેનારી
56) મારકણી - અજાણી વ્યક્તિ ને મારવા દોડનારી તીખા સ્વભાવની.આ ગાય ક્યારેય પાલકને મારતી નથી.
ગાય માતાની ઓળખ :
(૧) કામધેનુ (૨) કપિલા (૩) સુરભિ (૪) કવલી.
(૧) કામધેનુ
કામ અટલે ઇચ્છા અને ધેનુ અટલે ગાય જે તમામ ઇચ્છા પુર્ણ કરનારી હોય તેવી ગાયને કામધેનુ ગાય કહેવામા આવે છે. કામધેનુ એટલે મનવાછિત ફળ આપનારી ઉત્તમગુણ સંપન ગાય. પુરાણ કથા પ્રમાણે ૧૪ રત્નો નિકળ્યા તેમાનુ એક રત્ન એટલે કામધેનુ ગાય.
(૨) કપિલા
મુખ્ય બે પ્રકારની કપિલા ગાય છે.
૧. સુવર્ણ કપિલા
૨. શ્યામ કપિલા જે ગાયનો રંગ સોના જેવો ચમકતો સોનેરી હોય તે ગાયને સુવર્ણ કપિલા કહેવામા આવે છે. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનુ સોનેરી મોઢુ, સોનેરી આંખો, પીંગળુ પૂછડુ અને આરસ જેવા શીંગ અને ખરી હોય છે.
(૩) સુરભિ
સુર એટલે દેવ, જેમા દૈવી ગુણો છે તે સુરાભિ ગાય. સામાન્ય રીતે કવલી, કપિલા અને કામધેનુ સિવાયની સારી ગાયો સુરભિ ગણાય છે.
(૪) કવલી
જે ગાય વાછરુંને જન્મ આપ્યા વગર જ સીધુ દૂધ આપવાનુ શરુ કરી દે છે તેવી ગાયને કવલી ગાય કહે છે. હજારો ગાયોમાં આવો એકાદ કિસ્સો જન્મે છે. કવલી ગાય વર્ષો સુધી એમજ દૂધ આપ્યા કરે છે. કવલી ગાય આજીવન ગરમીમાં આવતી નથી, ગાભણ થતી નથી કે બચ્ચાને જન્મ આપતી નથી..